(નોંધ : કવિવર રવીન્દ્રનાથ ટાગોરની આ કૃતિ જીવનનો ખૂબ ઊંડો સંદેશ આપે છે. આપણે ફકત એવા જ કામ કરીએ છીએ જેનો કંઈક અર્થ હોય છે અને તેના પરિણામે જીવનનો અર્થ ગુમાવી દઈએ છીએ ! બાળક હંમેશા પ્રસન્ન રહી શકે છે કારણ કે એને કશું કરવા પાછળ કોઈ અર્થ હોતો નથી. કુદરત આ બોધપાઠ સૌને શીખવવા માટે ઉપરોક્ત કથા જેવા કેટલાક ઓલિયા માણસોને આ ધરતી પર મોકલી આપે છે પરંતુ આપણે તો એવા કામગરા છીએ કે કંઈક લાભ થાય એવો ન હોય તો એવી પ્રવૃત્તિ તરફ નજર સુદ્ધાં કરવાની ફુરસદ હોતી નથી. કાશ આપણને ગાવાની ફુરસદ મળે, કાશ કોઈકના ખોળે માથું મૂકી રડી શકીએ, કાશ આપણી પાસે એટલો સમય રહે કે જેથી આપણે કશાજ અર્થ વગર કશુંક કરીએ. જો આપણે એમ નહીં કરી શકીએ તો આપણી પાસે સ્વર્ગ સમાન સુખ-સગવડનાં સાધનો તો હશે, પણ અંતે એ છે તો ખોટું સ્વર્ગ !)
એ માણસ તદ્દન બેકાર હતો. તેને કૈં પણ કામ નહોતું; માત્ર જાતજાતના શોખ હતા. લાકડાના નાના ચોકઠા પર માટી ઢાળી તેના પર છીપલાંઓની એ સજાવટ કરતો. દૂરથી જોઈએ તો લાગે કે જાણે એક ગાંડીઘેલી છબિ છે, તેની અંદર પંખીનું ટોળું છે; અથવા જાણે ખાડાટેકરાવાળું ખેતર છે, ત્યાં ગાયો ચરે છે; અથવા ઊંચોનીચો પહાડ છે, તેના પર થઈને પેલું ઝરણું વહેતું હશે, અથવા પગરસ્તો યે હોય.
ઘરના લોકો આગળ તેની શરમનો કૈં પાર નહોતો. કોઈકોઈ વાર તે પ્રતિજ્ઞા લેતો કે ગાંડપણ છોડી દઈશ. પણ ગાંડપણ તેને છોડતું નહિ ! કોઈ કોઈ છોકરાઓ એવા હોય છે જે આખું યે વર્ષ રખડે અને છતાં ય પરીક્ષામાં અમસ્તા જ પાસ થઈ જાય. આની પણ એવી જ દશા થઈ. આખું યે જીવન કામકાજ વિના ગયું અને છતાં ય મૃત્યુ બાદ ખબર મળ્યા કે તેનું સ્વર્ગે જવાનું મંજૂર થઈ ગયું છે. પરંતુ વિધિ સ્વર્ગને રસ્તે ય મનુષ્યનો સાથ છોડતી નથી. દૂતો ભૂલથી તેને કામગરા લોકોના સ્વર્ગમાં મૂકી આવ્યા !
કામગરા એટલે સતત કામ કરનારા લોકોનું સ્વર્ગ. આ સ્વર્ગમાં બધું જ છે, કેવળ ફૂરસદ નથી. અહીંયા પુરુષો કહે છે : ‘શ્વાસ લેવાનો ય વખત ક્યાં છે ?’ સ્ત્રીઓ કહે છે : ‘બાઈ, કેટલું ય કામ હજુ પડ્યું છે.’ બધા ય કહે છે, ‘સમયનું મૂલ્ય છે.’ પણ કોઈ એમ નથી કહેતું કે, ‘સમય અમૂલ્ય છે.’ …. ‘હવે તો નથી થતું’ એમ કહી બધા ફરિયાદ કરે છે, અને ભારે ખુશી થાય છે. ‘કામ કરી કરીને હેરાન થઈ ગયા.’ એવી ફરિયાદ એ જ ત્યાંનું સંગીત છે. આ નવા આવેલા બિચારાને ક્યાંય જગ્યા મળતી નથી; ક્યાંય એનો મેળ ખાતો નથી. રસ્તામાં અન્યમનસ્ક થઈને ચાલે છે તેથી કામગરા લોકોનો રસ્તો રોકાય છે. ચાદર પાથરીને જ્યાંત્યાં આરામથી બેસવા જાય છે, ત્યાં ત્યાં કોઈ સંભળાવે છે કે એ જ જગ્યાએ ધાન્યનું ખેતર છે અને બી વવાઈ ગયાં છે. તેને વારે-વારે ઊઠી જવું પડે છે, ચાલ્યા જવું પડે છે.
એક ભારે ઘાંઘી સ્ત્રી સ્વર્ગના ઝરણામાંથી રોજ પાણી ભરવા આવે છે. રસ્તા પર થઈને તે ચાલી જાય છે – જાણે સિતારની દ્રુત તાલની ગત ન હોય ! ઉતાવળમાં તેણે છૂટી ગયેલો અંબોડો બાંધી લીધો છે; તો યે બેચાર છૂટી લટો કપાળ ઉપર ઝૂકીને તેની આંખોની કાળી કીકી જોવા માટે ડોકાય છે. સ્વર્ગનો એ બેકાર માણસ એક બાજુએ ઊભો હતો – ચંચલ ઝરણાને કાંઠે તમાલ વૃક્ષની જેમ સ્થિર થઈને. બારીમાંથી ભિખારીને જોઈને રાજકન્યાને જેમ દયા આવે છે, તેમ જ એને જોઈને પેલી સ્ત્રીને દયા આવી :
‘અરે રે, તારે કશું કામ નથી કે શું ?’
નિસાસો નાખીને બેકારે કહ્યું : ‘કામ કરવાનો વખત નથી.’
પેલી સ્ત્રી એની વાત જરાય સમજી શકી નહિ અને કહ્યું : ‘મારી પાસેથી કાંઈ કામ જોઈએ છે ?’
બેકારે કહ્યું : ‘તમારી પાસેથી કામ લેવા માટે તો ઊભો છું.’
‘શું કામ દઉં ?’
‘તું જે ઘડો કાંખે રાખીને પાણી ભરી લઈ જાય છે, તેમાંનો એક જો મને આપે ને….’
‘ઘડો લઈને શું કરવું છે ? પાણી ભરવું છે ?’
‘ના, હું તેના પર ચિતરામણ કરીશ.’
સ્ત્રી ખિજાઈને બોલી, ‘મને વખત નથી. હું તો આ ચાલી.’ પણ બેકાર લોકોને કામગરા લોકો કેમ પહોંચી શકે ? રોજ એમનો ઝરણાને કાંઠે ભેટો થાય, ને રોજ એક જ વાત : તારી કાંખે છે તે ઘડો દે, તેના પર ચીતરવું છે.’ અંતે એક દિવસ પેલીએ હાર માની. ઘડો આપ્યો.
પેલો બેકાર તેની ફરતે ચીતરવા લાગ્યો. કેટલાય રંગના પાક ને કેટલીય રેખાઓવાળાં ઘર અને ઘણું બધું. ચીતરવાનું પૂરું થયું એટલે પેલી સ્ત્રીએ ઘડો લઈને ફેરવી ફેરવીને જોયું. ભવાં ચડાવીને પૂછ્યું :
‘આનો અર્થ ?’
બેકાર માણસે કહ્યું : ‘એનો કાંઈ જ અર્થ નથી.’ ઘડો લઈને સ્ત્રી ઘેર ગઈ. બધાયની નજરથી દૂર બેસી તેને તે જુદાજુદા તેજમાં અનેક રીતે આડોઅવળો ફેરવીને જોવા લાગી. રાત્રે રહીરહીને પથારી છોડીને, દીવો કરીને, ચૂપકીદીથી બેસીને તે ચિત્ર જોવા લાગી. તેની ઉંમરમાં આજ તેણે પ્રથમ એવું કૈંક જોયું જેનો કૈં અર્થ જ ન હોય !
બીજે દિવસે જ્યારે તે ઝરણાકાંઠે આવી ત્યારે તેના બે પગની એકાગ્રતામાં જાણે કૈંક ભંગ પડી ગયો છે. બંને પગો જાણે ચાલતાચાલતા અન્યમના થઈને વિચારે છે. જે વિચારે છે તેનો કાંઈ અર્થ નથી. તે દિવસે પણ બેકાર માણસ એક બાજુએ ઊભો હતો.
પેલી સ્ત્રી બોલી : ‘શું જોઈએ છે ?’
‘તારી પાસેથી હજુ કામ જોઈએ છે.’
‘કયું કામ દઉં ?’
‘જો રાજી હો તો રંગીન સૂતરને વણીવણીને તારી વેણી બાંધવાની દોરી તૈયાર કરી દઉં.’
‘એથી શો લાભ ?’
‘કંઈ જ નહિ.’
જુદા જુદા રંગની, ભાતભાતની કારીગરીવાળી દોરી તૈયાર થઈ. હવેથી અરીસો હાથમાં રાખીને વેણી બાંધતાં એ સ્ત્રીને ખૂબ વખત લાગે છે. કામ પડી રહે છે, વખત વહ્યો જાય છે.
અહીં જોતજોતામાં કામગરા સ્વર્ગના કામમાં મોટું અંતર પડવા લાગ્યું. રુદનથી અને ગીતથી એ અંતર ભરાઈ ગયું. સ્વર્ગના પીઢ લોકો ખૂબ ચિંતામાં પડી ગયા. સભા બોલાવી. તેઓએ કહ્યું, ‘અહીંના ઈતિહાસમાં કોઈ વાર આવું બન્યું નથી.’ સ્વર્ગના દૂતે આવી અપરાધનો સ્વીકાર કર્યો. તેણે કહ્યું, ‘હું ખોટા માણસને ખોટા સ્વર્ગમાં લાવ્યો છું.’ તે ખોટા માણસને તરત સભામાં બોલાવવામાં આવ્યો. તેનો રંગીન સાફો અને કમરબંધની શોભા જોઈને બધા સમજી ગયા કે ગજબનાક ભૂલ થઈ છે !
સભાપતિએ તેને કહ્યું : ‘તારે પૃથ્વીમાં પાછા જવું પડશે.’
તે તેની રંગીન થેલી અને પીછીને કમ્મરે ખોસી છુટકારાનો દમ મેલીને બોલ્યો, ‘તે આ ચાલ્યો.’
પેલી સ્ત્રી આવીને બોલી, ‘હું યે જઈશ.’
બુઢ્ઢા સભાપતિ કોણ જાણે કેમ અન્યમનસ્ક થઈ ગયા. આ તેમણે પહેલી જ વાર એવી એક વાત જોઈ જેનો કશો અર્થ નહોતો !
Wednesday, December 23, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment