Wednesday, December 23, 2009

ડાઘુ

* એ લોકો કોઈને બાળવા નીકળેલા પણ
પાછા ફર્યો ત્યારે
તેઓ બળતા હતા.
થોડોક ધૂમાડો જ બચ્યો હતો.
એમની પાસે !

* સૂરજની ધગધગતી દોણી લઈને
પહાડ નીકળ્યો છે.
અ.સૌ. સાંજના શબને
અગ્નિદાહ દેવા
આકાશના કિનારે……..

* એક ડાઘુએ બીજાને પૂછ્યું,
‘તને મરણનો ડર લાગે છે ?’
બીજાએ માથું ધુણાવ્યું એટલીવારમાં
બંને વચ્ચેથી પસાર થઈ ગયો
4000 વોલ્ટનો એક ધ્રાસકો.

* સ્મશાન પાસે
આવેલી કીટલી પર
બેઠેલા ડાધુઓએ
ચાનો એક ઘૂંટ માર્યો ત્યાં તો–
શરુ થઈ ગયું જીવન
ખીજડાના ઝાડ પર !

* ડૂસકાંઓનું એક ટોળું લઈને
ગયેલા ડાઘુઓ
જ્યારે પાછા ફર્યા ત્યારે–
એમની સાથે હતી
સ્મશાનની શાંતિ.

No comments:

Post a Comment